શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ( AMC ) દ્વારા સતત કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે AMC ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના પૂર્વ ઝોનમાં વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી, જેમાં જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારી અને રહેણાક એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
પૂર્વ ઝોન સહિત અમદાવાદ શહેરના તમામ 48 વોર્ડમાં દૈનિક ધોરણે સફાઈ કામગીરી અને કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી રહી છે. આજ રોજ વહેલી સવારથી જ મ્યુનિસિપલ સફાઈ કર્મચારીઓ દ્વારા મુખ્ય માર્ગો, આંતરિક રસ્તાઓ અને વ્યસ્ત વિસ્તારોમાં વ્યાપક સફાઈ કામગીરી કરવામાં આવી હતી. રસ્તાઓ પરથી કચરો દૂર કરી શહેરની સ્વચ્છતા જાળવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
બપોર બાદ ફૂટપાથો, ઇલેક્ટ્રિક ડી.પી. (ડિસ્ટ્રીબ્યુશન પોઇન્ટ) પાછળ, ખાલી પ્લોટો અને જાહેર સ્થળોએ ગેરકાયદે રીતે જમા કરાયેલ કચરો દૂર કરવાની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ સાથે પૂર્વ ઝોનના રહેણાક તેમજ વાણિજ્યક એકમોમાંથી ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરવાની કામગીરી પણ સઘન રીતે હાથ ધરવામાં આવી હતી, જેથી ખુલ્લામાં કચરો ફેંકવાની પ્રવૃત્તિ પર અંકુશ મુકાઈ શકે.
સ્વચ્છતા સ્ક્વોડ દ્વારા પૂર્વ ઝોનમાં કુલ 190 એકમોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગંદકી ફેલાવવી અને ન્યૂસન્સ સર્જવા બદલ 40 એકમોને નોટિસ ફટકારી રૂ. 54,300નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ઉપરાંત, 120 માઈક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 20 એકમોને નોટિસ આપી રૂ. 10,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો તેમજ 3.2 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.
નિયમોના વારંવાર ભંગ અને ગંભીર બેદરકારી બદલ પૂર્વ ઝોનમાં કુલ 12 એકમોને સીલ કરવાની કડક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ખાસ કરીને જશોદાનગર, ભાઈપુરા, ઓઢવ અને વટવા જેવા વિસ્તારોમાં કરવામાં આવેલી સીલિંગની કાર્યવાહીથી અન્ય બેદરકાર વેપારીઓમાં ભય અને ચેતના ફેલાઈ ગઈ છે.
મ્યુનિસિપલ તંત્ર દ્વારા સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની સરપ્રાઈઝ ચેકિંગ અને કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે. જો કોઈપણ એકમ ગંદકી ફેલાવતા, ન્યૂસન્સ કરતા અથવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો સંગ્રહ કે ઉપયોગ કરતા ઝડપાશે, તો તેની સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી સાથે એકમને સીલ કરવાની કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે.
AMC ની આ ઝૂંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર આરોગ્યની સુરક્ષા, પર્યાવરણનું સંરક્ષણ અને અમદાવાદ શહેરને ‘પ્લાસ્ટિક મુક્ત’ બનાવવાનો છે. તંત્રએ વેપારીઓ અને નાગરિકોને અપીલ કરી છે કે સ્વચ્છતા નિયમોનું પાલન કરે, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે અને શહેરને સ્વચ્છ રાખવામાં સહકાર આપે, જેથી અમદાવાદ એક સ્વચ્છ અને આદર્શ શહેર બની શકે.
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

