શહેરની ઓળખ એવા ઐતિહાસિક ખાડિયા વિસ્તારની વાત કરીએ તો અહીંની પોળો, અહીંનો વારસો અને અહીંની ઓળખ આજેય અમદાવાદની ગૌરવગાથા કહે છે. પરંતુ આ ગૌરવની પાછળ આજે એક એવી હકીકત છુપાઈ છે જે નાગરિકોના જીવનને રોજ ઝેર જેવી બની રહી છે—પ્રદૂષિત પાણીની સમસ્યા. જ્યારે AMC કરોડો રૂપિયાનું બજેટ કાઢીને હેરિટેજ ઝોનમાં સુશોભન અને રીસ્ટોરેશનના પ્રોજેક્ટ્સને ઝગમગાવી રહી છે, ત્યારે આ જ વિસ્તારના લોકો આજે સ્વચ્છ પીવાનું પાણી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
મધ્ય ઝોન અને કોટ વિસ્તાર ખાસ કરીને ખાડિયામાં ફરી એકવાર પ્રદૂષિત પાણીની ફરિયાદોના ઢગલા લાગ્યા છે. માંડવીની પોળથી લઈને હીરા ગાંધીની પોળ, શેઠની પોળ, દોલતખાના અને લાલજી મહારાજના ચોકઠાં સુધી ઘણાં વિસ્તારોમાં નળ ખોલતા જ રંગ બદલાયેલું, દુર્ગંધયુક્ત પાણી લોકોના ઘરો સુધી પહોંચી રહ્યું છે.
રહેવાસીઓની વ્યથા એ છે:
“પાણી અમારી પ્લેટમાં નહીં આપણાં શરીરમાં ઝેર બનીને ઉતરી રહ્યું છે.”
સ્થાનિકોના અનુસાર, આ સમસ્યા નવી નથી, પરંતુ એક ચાલું સાગા જેવી બની ગઈ છે. દિવસ-બે દિવસ માટે કામગીરી થાય લાઈન વોશઆઉટ થાય અને પછી ફરી એ જ સમસ્યા દૃષ્ટિગોચર. જાણે તંત્ર ‘વોલ્યુમ ડાઉન’ કરી દે છે, પણ સમસ્યાનો ‘સોર્સ’ બંધ નથી કરતા.
તંત્ર પર આક્ષેપો એ છે કે AMC ની કડક સૂચનાઓ છતાં મેદાનમાં કોઈ પહેલ દેખાતી નથી. લોકો ફરિયાદ કરે, અધિકારીઓ આવે, ખાડો કરે, પાણીની લાઈન ધોઈને જાય અને પછી ફરી વેળાએ નળમાં પ્રદૂષિત પાણી!
ખાડિયાની પોળોમાં રહેતા પરિવારો માટે આ પરિસ્થિતિ કષ્ટપ્રદ છે. બાળકો હોય કે વૃદ્ધો ઝાડા-ઉલટી, પેટનાં રોગો વધી રહ્યા છે. ત્યાં સુધી કે કેટલાક પરિવારો સ્વચ્છ પાણી માટે RO અથવા બાટલીબંધી પાણી પર સંપૂર્ણ નિર્ભર બન્યાં છે.
આ પરિસ્થિતિમાં લોકોનો પ્રશ્ન સીધો છે
“હેરિટેજ માટે કરોડો રૂપિયાનો ખર્ચ, સ્વચ્છ પાણી જ નહીં?”
સ્થાનિકોની માંગ છે કે:
-
આખા ખાડિયા વિસ્તારની પાણી લાઈનનું સર્વે અને ઓડિટ થાય
-
લીકેજવાળી જૂની પાઈપલાઈન અત્યારે જ બદલી નાખવામાં આવે
-
પ્રદૂષિત પાણીની સમસ્યાનું કાયમી સોલ્યુશન લાવવામાં આવે
-
Water Quality Test રિપોર્ટ પારદર્શક રીતે જાહેર થાય
ખાડિયાની પોળો આજે પણ હેરિટેજની જાળવણી કરતા વધારે મૂળભૂત સગવડનો સંઘર્ષ કહી રહી છે. લોકોની પીડા સ્પષ્ટ છે:
“અમને સ્માર્ટ સિટી નહીં, સ્વચ્છ પાણી જોઈએ.”
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/
