ભારત ચૂંટણી પંચની મંજૂરી બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આજે રાજ્યભરમાં ફાઈનલ મતદાર યાદી પ્રસિદ્ધ થવા જઈ રહી છે, જેના સાથે ચૂંટણી પ્રક્રિયા સત્તાવાર રીતે ગતિ પકડશે. રાજ્યમાં નવમી વખત સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરાઈ હતી. નોંધનીય છે કે છેલ્લે આ પ્રક્રિયા વર્ષ 2004માં યોજાઈ હતી.
તા. 1 જાન્યુઆરી 2026ની લાયકાત તારીખને આધારે શરૂ કરાયેલી આ વિશેષ પુનઃપરીક્ષણ પ્રક્રિયામાં 30 જાન્યુઆરી સુધી દાવો-વાંધા સ્વીકારવામાં આવ્યા હતા અને 10 ફેબ્રુઆરી સુધી અરજીઓના નિકાલ માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ રાજ્યભરમાં કુલ 14,70,125 ફોર્મ પ્રાપ્ત થયા છે, જે ચૂંટણી પ્રત્યે મતદારોની વધતી જાગૃતિ દર્શાવે છે.
7 લાખથી વધુ નવા મતદાર નોંધાયા
આંકડાઓ મુજબ ફોર્મ નં. 6 હેઠળ નવા મતદાર તરીકે નામ નોંધાવવા માટે 7,25,920 અરજીઓ મળી છે. ફોર્મ નં. 7 હેઠળ નામ કમી કરવા માટે 1,83,235 અરજીઓ પ્રાપ્ત થઈ છે, જ્યારે ફોર્મ નં. 8 હેઠળ મતદાર યાદીમાં વિગતોમાં સુધારા માટે 5,60,970 અરજીઓ નોંધાઈ છે. ચૂંટણી તંત્ર દ્વારા તમામ અરજીઓની ચકાસણી પૂર્ણ કરીને અંતિમ યાદી તૈયાર કરવામાં આવી છે.
ફાઈનલ મતદાર યાદી જાહેર થયા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાની સંભાવના છે. રાજકીય પક્ષોએ પણ ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક ગતિવિધિઓ તેજ કરી દીધી છે. મતદાર યાદી પ્રસિદ્ધ થતા જ ચૂંટણીનું રાજકીય વાતાવરણ વધુ ગરમાશે.
અમદાવાદમાં ચૂંટણી પ્રક્રિયા તેજ ગતિએ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2026માં યોજાનારી સામાન્ય ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના તમામ 48 વોર્ડ માટે નવી ફોટાવાળી મતદાર યાદીઓની પ્રિન્ટ તૈયાર કરાશે. આ કામગીરી માટે અંદાજે રૂ. 60 લાખનો ખર્ચ થશે.
ટેન્ડર પ્રક્રિયા મુજબ 23 ફેબ્રુઆરી સુધી ટેન્ડર ભરાશે અને 25 ફેબ્રુઆરીએ ટેન્ડર ખોલવામાં આવશે. પ્રિન્ટિંગ માટે નિયત કંપનીને કામગીરી સોંપવામાં આવશે, જે એક હાર્ડ કોપી અને એક સોફ્ટ કોપી (PDF) સ્વરૂપે મતદાર યાદી સુપરત કરશે. સાથે જ નમુનો ‘ક’, નમુનો ‘ખ’, નમુનો 2, વોર્ડવાર ઈન્ડેક્સ અને હદ વર્ણન પણ આપવામાં આવશે.
10 માર્ચથી વહીવટદારોનું શાસન
AMCના હોદેદારોની ટર્મ 9 માર્ચે પૂર્ણ થવાની છે અને 10 માર્ચથી કોર્પોરેશનમાં વહીવટદારોનું શાસન અમલમાં આવશે. તે પહેલા ચૂંટણી સંબંધિત તમામ કામગીરી પૂર્ણ કરવા માટે તંત્ર સક્રિય બન્યું છે. 2026-27 માટે યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરના મતદારોના ફોટા, નામ, સરનામું સહિતની સંપૂર્ણ માહિતી ધરાવતી યાદી તૈયાર કરવામાં આવી રહી છે.
રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ SIR અંતર્ગત સુધારેલી મતદાર યાદી તૈયાર કરી દેવામાં આવી છે. વાંધા-સૂચનોને ધ્યાનમાં રાખીને આખરી ચકાસણી બાદ અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. AMCને એક મહિનામાં ચેકિંગ પૂર્ણ કરીને ફાઈનલ મતદાર યાદી સુપરત કરવાની રહેશે.
દરેક વોર્ડ માટે 50 નકલો
સામાન્ય ચૂંટણી-2026ની સમગ્ર પ્રક્રિયા દરમિયાન દરેક વોર્ડ માટે અંદાજે 50 નકલો જરૂરી રહેશે. આ નકલો ચૂંટણી સંબંધિત વિવિધ કામગીરીઓ માટે ઉપયોગમાં લેવાશે.
ફાઈનલ મતદાર યાદી જાહેર થતાં જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું સત્તાવાર શિડ્યૂલ જાહેર થવાની શક્યતા છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ રાજકીય માહોલ વધુ તીવ્ર બનશે અને સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા ગતિમાન બનશે.
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/


