ગુજરાતમાં વધતા શરીર સંબંધી ગુનાઓને રોકવા માટે ગુજરાત પોલીસે ‘ SHASTRA ’ (Sharir Sambandhi Tras Rokva Abhiyan) પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. આ અભિયાન હેઠળ ડેટા ડ્રિવન પોલિસિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ઇ-ગુજકોપ ડેટાના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના 33 પોલીસ સ્ટેશનો એવા છે જ્યાં સાંજે 6 થી રાત્રે 12 દરમિયાન આવા ગુનાઓ વધુ થાય છે.
એક વર્ષના ડેટાનો વિશ્લેષણ
પોલીસના એક વર્ષના ડિટેઇલ એનાલીસિસ મુજબ, ગુજરાતમાં થતા 25% શરીરસંબંધી ગુનાઓ માત્ર ચાર મહાનગરોમાં નોંધાયા છે. આ ગુનાઓમાં 45% કેસો સાંજના 6 થી રાત્રે 12 વચ્ચે બન્યા છે.
- અમદાવાદ: 50 પોલીસ સ્ટેશનોમાંથી 12 સ્ટેશનોમાં 50% થી વધુ ગુનાઓ
- સુરત: 33 પોલીસ સ્ટેશનોમાંથી 9 સ્ટેશનો
- વડોદરા: 27 પોલીસ સ્ટેશનોમાંથી 7 સ્ટેશનો
- રાજકોટ: 15 પોલીસ સ્ટેશનોમાંથી 5 સ્ટેશનો
SHASTRA પ્રોજેક્ટ હેઠળ Evening Policing દ્વારા સુરક્ષા મજબૂત
SHASTRA પ્રોજેક્ટ હેઠળ ખાસ “Evening Policing” પર ભાર મુકાયો છે, જે સંવેદનશીલ વિસ્તારોમાં વધુ સુરક્ષા સુનિશ્ચિત કરશે. સાંજે 6 થી રાત્રે 12 દરમિયાન વિશેષ પોલિસિંગ ટીમો તૈનાત રહેશે.
SHASTRA ટીમો દરેક પોલીસ સ્ટેશન માટે નિશ્ચિત કરવામાં આવી છે અને રોલકોલ સાંજે 8 વાગ્યાના બદલે હવે 6 વાગ્યે લેવાશે.
રાજ્ય પોલીસ વડાની અપીલ
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયકે જણાવ્યું કે, ” SHASTRA પ્રોજેક્ટ માત્ર ગુનાઓ પર અંકુશ જ નહીં, પણ નાગરિકોને વધુ સુરક્ષિત અનુભવ કરાવવાનો પ્રયાસ છે.” ગુજરાત પોલીસ નાગરિકોને અપીલ કરે છે કે, કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવામાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરો અને સહયોગ આપો.