અમદાવાદ શહેરમાં લૂંટેરી દુલ્હન દ્વારા થઈ રહેલી છેતરપિંડીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં નિકોલ વિસ્તારમાં રહેતા યુવક સુરેશ (નામ બદલેલું છે) સાથે થયેલી છેતરપિંડીના કેસે ફરી એકવાર ચેતવણી આપી છે કે લગ્નવાંચ્છુકોએ ખૂબ સાવચેતી રાખવી જરૂરી છે.
સુરેશના વર્ષ 2017માં છૂટાછેડા થયા બાદ તે ફરીથી લગ્ન કરવા ઇચ્છતા હતા. તેમના મામા બીપીનભાઈ દ્વારા સુરતના ભરત વસોયા અને તેની બહેન સ્વાતિ સાથે સમ્પર્ક સાધવામાં આવ્યો હતો. ભરતે પોતાને ગરીબ જણાવતા અને સ્વાતિના લગ્ન માટે કુલ રૂ. 1.60 લાખની માંગણી કરી હતી. સાથે જ લગ્ન પૂર્વે દાગીનાની ખરીદી માટે રૂ. 50 હજાર, અને મહારાષ્ટ્રથી સંબંધીઓને બોલાવવા માટે વધુ રૂપિયા લેવાયા હતા.
11 જાન્યુઆરી 2025ના રોજ સુરેશ અને સ્વાતિ પ્રથમવાર મળ્યા અને થોડા સમયની ઓળખ પછી બંનેએ લગ્ન માટે હા પાડી. 16 જાન્યુઆરીએ નરોડા-દહેગામ રોડ પર આવેલા મેરેજ પોઈન્ટમાં લગ્ન થયા. લગ્ન સમયે સ્વાતિને સોનાનું મંગળસૂત્ર, ચાંદીની જાંજર અને અન્ય ભેટો આપવામાં આવી. ત્યારબાદ પણ ભરત વસોયા દ્વારા વિવિધ બહાનાઓ હેઠળ વધુ પૈસાની માંગ કરી હતી અને તે મુજબ કુલ રૂ. 3 લાખ જેટલી રકમ આપવામાં આવી.
લગ્નના બીજે જ દિવસે, જ્યારે સુરેશ પાણી લેવા બહાર ગયા, ત્યારે સ્વાતિ ઘરેથી દાગીના અને રોકડ સાથે રફૂચક્કર થઇ ગઈ. સુરેશ અને તેના પરિવારે ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો બંનેના ફોન બંધ હતા. છેતરપિંડીની કલ્પના પણ ન કરી શકેલા સુરેશે તરત જ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
આ કેસને પગલે લોકોને ચેતવણી આપવામાં આવી છે કે લગ્ન માટે અજાણ્યા લોકો સાથે લેવડદેવડ કરતા પહેલાં સંપૂર્ણ પૂછપરછ અને સત્યતા તપાસવી અતિ આવશ્યક છે. લૂંટેરી દુલ્હન અને દલાલોનો ત્રાસ હવે સામાજિક સમસ્યા બની રહ્યો છે અને પોલીસ દ્વારા પણ આવા ગેંગ સામે કડક પગલાં લેવાની તૈયારી બતાવવામાં આવી રહી છે.