અમદાવાદ શહેરમાં 22 સપ્ટેમ્બરથી નવરાત્રિ ઉત્સવની શરૂઆત થવા જઈ રહી છે. આ અવસરે દર વર્ષે શહેરના વિવિધ પાર્ટી પ્લોટ, ક્લબ અને ઓપન ગ્રાઉન્ડમાં ભવ્ય ગરબા મહોત્સવોનું આયોજન થાય છે, જેમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડે છે. ખેલૈયાઓની ભીડને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર ફાયરબ્રિગેડે આયોજકો માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે, જેનો મુખ્ય હેતુ જનસુરક્ષા સુનિશ્ચિત કરવો છે.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, નવરાત્રિ ના ગરબા આયોજકો માટે ફાયર, પોલીસ અને અન્ય સંબંધિત વિભાગોથી ફરજિયાત “ના વાંધા પ્રમાણપત્ર” (NOC) મેળવવું જરૂરી રહેશે. સાથે જ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ – ટેમ્પરરી (FSCAT) મેળવવા માટે આયોજકોએ https://fscop.gujfiresafetycop.in પર ઓનલાઈન અરજી કરી જરૂરી દસ્તાવેજોની હાર્ડ કોપી જમાલપુર ફાયર સ્ટેશન ખાતે સબમિટ કરાવવાની રહેશે. આ પ્રક્રિયા ઈવેન્ટ શરૂ થવાના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલાં પૂર્ણ કરવી ફરજિયાત રહેશે.
મહત્વપૂર્ણ સલામતી નિયમો
ગાઇડલાઇન મુજબ આયોજકોને નીચે મુજબના નિયમોનું કડક પાલન કરવું પડશે:
-
મંડપ, પંડાલ કે સ્ટેજનું નિર્માણ સ્કૂલ, હોસ્પિટલ કે જ્વલનશીલ ગોડાઉનથી દૂર કરવું ફરજિયાત રહેશે.
-
પંડાલની ક્ષમતા મુજબ જ લોકોનો પ્રવેશ આપવો તથા વ્યક્તિદીઠ ઓછામાં ઓછી 1 ચો.મી. જગ્યા રાખવી પડશે.
-
દરેક પંડાલમાં ઓછામાં ઓછી બે ઇમર્જન્સી એક્ઝિટ રાખવા, જે એકબીજા સામેની દિશામાં હોવા જોઈએ.
-
સીટિંગ વ્યવસ્થામાં 10 રો અને 10 બેઠક પછી પેસેજ રાખવો તથા તેની પહોળાઈ 1.5 મીટર હોવી જરૂરી છે.
-
ધાર્મિક હેતુ માટે કરવામાં આવતા હવન સમયે પૂરતી ફાયર સેફ્ટીની વ્યવસ્થા અનિવાર્ય રહેશે.
-
મંડપમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ અનિવાર્ય રહેશે જેથી ખેલૈયાઓને જરૂરી સૂચનાઓ આપી શકાય.
-
કોઈપણ પ્રકારના સ્ટોલ, LPG ગેસ સિલિન્ડર, ફટાકડાં, રસોઈ સાધનો કે જ્વલનશીલ સામગ્રીનો પંડાલમાં કે તેની આસપાસ ઉપયોગ નહીં કરી શકાય.
-
ઇલેક્ટ્રિક વાયરીંગ ગવર્મેન્ટ એપ્રુવ્ડ ઇલેક્ટ્રિકલ ઈજનેર પાસેથી ચકાસાવવાની રહેશે અને IS-1646-1982 મુજબ ઇન્સ્ટોલેશન કરાવવું પડશે.
-
પંડાલમાં લાગતા પડદા, કાર્પેટ વગેરે ફાયર રીટાર્ડન્ટ મટીરીયલથી કવર કરેલા હોવા જોઈએ.
-
દરેક 100 ચો.મી. વિસ્તાર માટે 2 નંગ ABC ફાયર એક્ષટીંગ્યુશર (6 કિગ્રા ક્ષમતા), 2 નંગ CO2 એક્ષટીંગ્યુશર (4.5 કિગ્રા ક્ષમતા), 200 લિટર પાણીનો ડ્રમ અને રેતી ભરેલી ડોલો ઉપલબ્ધ રાખવી ફરજિયાત રહેશે.
સુરક્ષિત અને ભવ્ય નવરાત્રિ માટે અપીલ
ફાયર વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ ગાઇડલાઇન માત્ર આગ સલામતી માટે છે. પોલીસ, ટ્રાફિક અને મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના અન્ય વિભાગોની અલગ માર્ગદર્શિકા પણ આયોજકોને પાલન કરવી પડશે.
શહેર ફાયરબ્રિગેડે તમામ આયોજકોને અપીલ કરી છે કે તેઓ નિયમોનું કડક પાલન કરે, જેથી હજારોની સંખ્યામાં ખેલૈયાઓ સલામતી સાથે માતાજીના આરાધનામાં જોડાઈ શકે. યોગ્ય આયોજન, ફાયર સેફ્ટી અને ઇમરજન્સી વ્યવસ્થાથી આ વર્ષે નવરાત્રિ નો ઉત્સવ વધુ આનંદમય અને સુરક્ષિત બની રહે તેવી આશા છે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/


