AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

કમોસમી વરસાદ થી વાતાવરણમાં પલટો, સુરત-અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ

વરસાદ
Share

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે. આજે 20 ફેબ્રુઆરીની વહેલી સવારથી જ સુરત, અંકલેશ્વર, હાંસોટ, ગોધરા, પંચમહાલ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. શરૂઆતમાં ઝાપટાં પડ્યા બાદ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થતાં સામાન્ય જનજીવન સાથે લગ્નપ્રસંગોમાં પણ અવરોધ ઊભા થયા હતા.

એકાએક સુરતના વાતાવરણમાં પલટો.

સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હાલ લગ્નની સીઝન ચાલી રહી હોવાથી ખુલ્લા મેદાન, પાર્ટી પ્લોટ અને ઓપન ગાર્ડનમાં બાંધેલા મંડપ અને શણગાર પલળી ગયા હતા. કેટલાંક સ્થળોએ સજાવટનું સામાન નુકસાન પામ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. સવારે ઠંડક, બપોરે ગરમી અને ત્યારબાદ વરસાદ—ફેબ્રુઆરીમાં લોકોને એક જ દિવસે ત્રણ ઋતુનો અનુભવ થયો હતો.

અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં પણ અચાનક વાતાવરણ બદલાતાં ઇલાવ, સાહોલ, બાલોતા, સુણેવ, ઓભા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પંથકમાં સવારે લગભગ 4:30 વાગ્યે ચોમાસાની જેમ વરસાદ શરૂ થયો હતો. આ કમોસમી વરસાદ ખાસ કરીને કપાસ અને અન્ય ઉભા પાક માટે ચિંતાજનક સાબિત થઈ શકે છે. ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ વધતા ચિંતા વ્યાપી ગઈ છે. વડોદરા સહિત કેટલાક વિસ્તારોમાં છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

અંકલેશ્વર-હાંસોટના અનેક વિસ્તારમાં વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ જેવી ત્રણ સિસ્ટમ સક્રિય છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ અને અન્યત્ર વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી દિવસોમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર-પશ્ચિમના પવનોની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે 24 ફેબ્રુઆરી પછી હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાનમાં આગામી બે દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે.

લગ્ન મંડર પણ પલળી ગયાં.

વલસાડ જિલ્લામાં પણ ગુરુવારે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું હતું. ખાસ કરીને નેશનલ હાઈવે 48 પર દ્રશ્યતા ખૂબ ઓછી થઈ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માત ટાળવા માટે વાહનચાલકોએ હેડલાઈટ અને પાર્કિંગ લાઈટ ચાલુ રાખીને ધીમી ગતિએ વાહન હાંકવું પડ્યું હતું. ઓફિસ અને શાળાએ જતા લોકોને પણ વિલંબનો સામનો કરવો પડ્યો હતો.

વરસાદ

વલસાડ જિલ્લો હાફુસ કેરી માટે જાણીતો છે. હાલમાં આંબાવાડીઓમાં આમ્રમંજરી ખીલી છે અને ફળ બેસવાની મહત્વની પ્રક્રિયા ચાલી રહી છે. આવા સમયે ગાઢ ધુમ્મસ અને વધેલા ભેજને કારણે જીવાતનો ખતરો વધી શકે છે. કૃષિ નિષ્ણાતોના મતે, મોર ખરી જવાની શક્યતા પણ વધી શકે છે, જેના કારણે ખેડૂતોને મોંઘી દવાઓનો છંટકાવ કરવો પડી શકે છે અને આર્થિક ભારણ વધશે.

હવામાન વિભાગે આગાહીમાં ટેક્નોલોજિકલ સુધારા કરીને નવી મલ્ટી હેઝર્ડ અર્લી વોર્નિંગ ડિસિઝન સિસ્ટમ અમલમાં મૂકી છે. આ સિસ્ટમ દ્વારા જિલ્લા અને રાજ્ય સીમા મુજબ વધુ ચોક્કસ આગાહી શક્ય બની છે. એર ક્વોલિટી, સાયક્લોન, હેલ સ્ટોર્મ જેવી પરિસ્થિતિઓ અંગે સમયસર માહિતી મળવાથી નુકસાન ઘટાડવામાં મદદ મળશે. વિભાગના જણાવ્યા મુજબ નવી ટેક્નોલોજીથી આગાહીની ચોકસાઈમાં આશરે 20 ટકા વધારો થયો છે.

વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.

અચાનક બદલાયેલા આ મિશ્ર વાતાવરણે સામાન્ય લોકોને ઠંડકનો અહેસાસ કરાવ્યો છે, પરંતુ ખેતી અને જાહેર પ્રસંગો માટે આ પરિસ્થિતિ પડકારરૂપ બની છે.

વધુ સમાચાર વાંચો :

CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય

https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

AMC ની બેદરકારી? નિકોલ–કઠવાડાના તૂટેલા રોડોથી લોકો પરેશાન

abplusnews

ફતેવાડી માં ફાયરિંગ: ચાની કીટલીવાળાને પગમાં ગોળી, વિસ્તારમાં ભય

abplusnews

અમદાવાદમાં વસ્ત્રાલ ઘટનાને પગલે પોલીસ એકશન મોડમાં

abplusnews

Leave a Comment