અમદાવાદ શહેરમાં ગુનાખોરી સામે કડક વલણ અપનાવતી પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા આજે વધુ એક મોટું પગલું ભરાયું છે. શહેરના સરખેજ વિસ્તારમાં આવેલી એલજી કોલેજ નજીક બે કિખ્યાત બૂટલેગરો – ઉદયસિંહ ધીરાવત અને શંકરલાલ – જે છેલ્લા દાયકા સુધી દારૂના કાળા ધંધામાં સંકળાયેલા હતા, તેમની ગેરકાયદે મિલકતો સામે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
પોલીસ માહિતી મુજબ ઉદયસિંહ અને શંકરલાલ સાથે તેમના પરિવારજનો પણ ગુનાખોરીમાં સંડોવાયેલા છે. ઉદયસિંહ સામે 17 ગુના, તેના પરિવારના અન્ય સભ્યો સામે 10, જ્યારે શંકરલાલ અને તેના પરિવાર સામે મળીને 23 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. કુલ મળીને આ બંને પરિવારો સામે અંદાજે 50 ગુનાઓ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયા છે – જેમાં દારૂબંધીનો ભંગ, હુમલા, ધમકી, તથા શસ્ત્રાકૂલીત ગુનાઓનો સમાવેશ થાય છે.
અધિકારીઓએ જણાવ્યું કે આ બૂટલેગરો એ ગુનાખોરીમાંથી કમાવેલી કાળી કમાણીથી સરકારી જમીન પર ગેરકાયદે મકાન બાંધ્યાં હતા. પોલીસે મહાનગરપાલિકાને તેમની યાદી આપી હતી, જે આધારે આજે પોલીસ બંદોબસ્ત સાથે તેમનાં રહેણાક મકાનો પર બુલડોઝર ચલાવાયું. સરખેજ પોલીસ, કોર્પોરેશનના કર્મચારીઓ અને સ્થાનિક અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે અમલમાં મૂકાઈ.
એસીપી એ.બી. વાળંદે જણાવ્યું કે, “શહેરમાં ગુનાખોરી અને ગેરકાયદે ધંધાઓનું નાબૂદીકરણ કરવું એ અમારું મુખ્ય લક્ષ્ય છે. આવા તત્વો સામે કાયદાની શક્તિ બતાવવા આ કાર્યવાહી કરવામાં આવી છે.”
અમદાવાદ શહેરમાં આવા કાયદેસર પગલાં થકી ગુનાખોરો પર દબાણ ઊભું કરવાનું અને કાયદાનું રાજ સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.