અમદાવાદના મેરિગો સિમ્સ હોસ્પિટલના ડૉક્ટર અને એન્જિનિયરોની ટીમે બ્લડ કેન્સર સામેની લડતમાં ઐતિહાસિક સફળતા મેળવી છે. હોસ્પિટલને CAR-T સેલ થેરેપીમાં મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, જે લ્યુકેમિયા, લિમ્ફોમા અને મલ્ટિપલ માયલોમા જેવા ગંભીર બ્લડ કેન્સરના દર્દીઓ માટે આશાનું કિરણ બની છે. વિદેશમાં 2થી 4 કરોડ રૂપિયામાં થતી આ અદ્યતન થેરેપી હવે ગુજરાતમાં માત્ર 20થી 30 લાખ રૂપિયામાં ઉપલબ્ધ બની છે.
શું છે CAR-T સેલ થેરેપી?
CAR-T (Chimeric Antigen Receptor T-Cell) થેરેપી એ બાયો-ઇન્જિનિયરિંગ આધારિત આધુનિક ઉપચાર છે. શરીરમાં રહેલા રોગપ્રતિકારક શક્તિના T સેલ દર્દીના લોહીમાંથી અલગ લેવામાં આવે છે. બાદમાં આ સેલને લેબોરેટરીમાં જિનેટિક રીતે મોડિફાય કરવામાં આવે છે જેથી તેઓ કેન્સરના કોષોને ઓળખી તેમનો નાશ કરી શકે. તૈયાર થયેલા સુધારેલ સેલ્સને CAR-T સેલ કહેવામાં આવે છે. આ સેલ્સ શરીરમાં પાછા અપાયા બાદ કેન્સરના સેલ્સ પર સીધી હુમલો કરે છે.
કેવી રીતે થાય છે આ પ્રોસેસ?
CAR-T થેરેપી માટે સૌથી પહેલાં દર્દીના શરીરમાંથી લોહી લેવામાં આવે છે અને તેમાંના T સેલ અલગ કરવામાં આવે છે. આ સેલ્સ મુંબઇની સ્પેશિયલ લેબમાં મોકલવામાં આવે છે જ્યાં 2થી 3 અઠવાડિયામાં તેમને સુધારવામાં આવે છે. લેબમાં ક્વોલિટી કન્ટ્રોલ બાદ તૈયાર થયેલા CAR-Tસેલ માઇનસ 80 ડિગ્રી તાપમાને અમદાવાદ મોકલવામાં આવે છે. ત્યારબાદ હોસ્પિટલમાં દર્દીને એ સેલ આપવામાં આવે છે — આ પ્રક્રિયા દરમિયાન કોઇ સર્જરી કરવાની જરૂર પડતી નથી.
ડૉ. કૌમિલ પટેલ જણાવે છે કે, “એક વાર આ થેરેપી અપાઈ જાય પછી આગામી બે અઠવાડિયામાં CAR-T સેલ કેન્સરના કોષોને નષ્ટ કરે છે. દર્દી સામાન્ય રીતે એક વર્ષમાં સંપૂર્ણ સ્વસ્થ થઇ શકે છે.”
ગુજરાતની પહેલી સફળતા
મેરિગો સિમ્સ હોસ્પિટલમાં આ થેરેપીથી સારવાર મેળવનાર પ્રથમ દર્દી 36 વર્ષની મહિલા છે. પહેલા તેમણે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સહિતના બધા ઉપચાર કરાવ્યા છતાં કેન્સર ફરી પાછું આવ્યું હતું. પરંતુ CAR-T થેરેપી પછી તેમની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો છે.
કેટલા કેન્સરમાં કારગત છે આ CAR-T સેલ થેરેપી?
હાલમાં આ ઉપચાર લ્યુકેમિયા, લિમ્ફોમા અને મલ્ટિપલ માયલોમા જેવા બ્લડ કેન્સરમાં અત્યંત અસરકારક સાબિત થઈ રહ્યો છે. નાના બાળકો થી લઈને વૃદ્ધ દર્દીઓ સુધીમાં CAR-T સેલ થેરેપી સફળતાપૂર્વક આપી શકાય છે.
વિદેશ કરતાં અનેક ગણો સસ્તો ઉપચાર
વિદેશમાં આ ઉપચારનો ખર્ચ 2 થી 4 કરોડ રૂપિયા જેટલો હોય છે, જ્યારે ભારતમાં તે ફક્ત 20 થી 30 લાખ રૂપિયામાં શક્ય થયો છે. આવનારા સમયમાં આ ટેક્નોલોજી વધુ સસ્તી થશે અને અન્ય પ્રકારના કેન્સર માટે પણ ઉપયોગી બનશે.
ઇનોવેશનનો સમન્વય
આ થેરેપી એ માત્ર મેડિકલ નહિં, પરંતુ એન્જિનિયરિંગ અને સાયન્સના સંયુક્ત ઇનોવેશનનું પરિણામ છે. ડૉક્ટરો અને એન્જિનિયરોની આ સહકારપૂર્ણ મહેનતે ભારતને વૈશ્વિક હેલ્થકેર ક્ષેત્રે નવી ઊંચાઈ પર પહોંચાડ્યું છે.
આ થેરેપી ગુજરાત માટે કેન્સર સામેની લડતમાં આશાનું નવું પાનુ છે — હવે અશક્ય લાગતી સારવાર પણ હવે પોતાના રાજ્યમાં શક્ય બની છે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/


