વસ્ત્રાલમાં હોળીના દિવસે થયેલી અનિચ્છનીય ઘટનાને પગલે અમદાવાદ પોલીસ તત્કાળ એકશનમાં આવી છે. 18 માર્ચ 2025થી સમગ્ર શહેરમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. શહેરના મુખ્ય ચોક અને વસ્તી વિસ્તારોમાં બેરીકેટિંગ લગાવી પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
શહેરભરમાં ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઓપરેશન
વસ્ત્રાલમાં બનેલી ઘટનાઓને લઈને શહેર પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી ગઈ છે. ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસના સંયુક્ત પ્રયાસોથી શહેરના પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર, મણીનગર, રામોલ, નિકોલ, અને વસ્ત્રાલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. ગુનાહિત પ્રવૃત્તિઓ થયેલ વિસ્તારોમાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ લોકોની ઓળખ અને જૂના ગુનેગારોને અટકાવી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
શાહીબાગ, મેઘાણીનગર, નરોડા સહિતના વિસ્તારોમાં કડક કાર્યવાહી
ઝોન 4 ડીસીપી કાનન દેસાઈના માર્ગદર્શન હેઠળ શાહીબાગ, મેઘાણીનગર, એરપોર્ટ, સરદારનગર, કૃષ્ણનગર, અને નરોડા વિસ્તારોમાં લિસ્ટેડ ગુનેગારોને બોલાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી. ગુનેગારોને ચેતવણી આપવામાં આવી કે, જો અસામાજિક પ્રવૃત્તિમાં જોડાશે તો કાયદો કડક કાર્યવાહી કરશે. મોડી રાત સુધી રસ્તાઓ પર વાહન ચેકિંગ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસનો ચુસ્ત વાંકાહટ જોવા મળી.
જાહેર સુરક્ષાને ધ્યાને રાખી પોલીસની પ્રતિક્રિયા
પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન દરમિયાન શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. પોલીસના આ પગલાથી શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાને જાળવી રાખવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. શહેરવાસીઓને અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરી સહયોગ આપે.