અમદાવાદ શહેરને વિશ્વ હેરિટેજ સિટીની માન્યતા મળેલી છે, પરંતુ હકીકતમાં શહેરના ઘણા ઐતિહાસિક સ્થળોની હાલત દયનિય બની ગઈ છે. ખાસ કરીને અસારવા વિસ્તારની ચમનપુરા રોડ પાસે આવેલી “માતર ભવાની વાવ”નું હાલત અત્યંત જર્જરિત છે. ઈ.સ. 1083થી 1093 વચ્ચે, છેલ્લાં સોલંકી રાજા કરણના સમયમાં બનેલી આ વાવ લગભગ 932 વર્ષથી વધુ જૂની છે. આજે આ હેરિટેજ વાવ ન માત્ર અવગણવામાં આવી છે, પરંતુ તે ધરાશાયી થવાની કગાર પર પહોંચી ગઈ છે.
વાવનો ઈતિહાસ અને ધાર્મિક મહત્વ
વાવની સાથે દેવી ભવાનીનું નાનું મંદિર જોડાયેલું છે, જેના કારણે સમય જતાં લોકબોલીમાં તેનું નામ “માતર ભવાની વાવ” તરીકે ઓળખાવા લાગ્યું. ભક્તિ અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ આ સ્થળે વિશેષ માન્યતા છે. ખાસ કરીને શ્રાવણ માસની અમાસે અહીં અસારવાનો લોકમેળો યોજાય છે જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ મેળો માત્ર ધાર્મિક ઉત્સવ નહીં પરંતુ સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે.
હાલત ખુબ જ નાજુક, દર્શન માટે પણ અવરોધ
હાલમાં વાવ એટલી વધારે જર્જરિત થઈ ગઈ છે કે લોકો માટે મંદિર સુધી પહોંચવું મુશ્કેલ બની ગયું છે. સુરક્ષાની દૃષ્ટિએ વાવની આસપાસ બેરીકેટ લગાવી દેવામાં આવ્યા છે. છતાં અનેક શ્રદ્ધાળુઓ દર્શન માટે આવવાનું ચાલુ રાખે છે. જેથી મોટી દુર્ઘટનાની સંભાવના છે. જો સમયમાં પગલાં નહીં લેવામાં આવે તો આ ઐતિહાસિક ધરોહર નષ્ટ થઈ શકે છે.

‘વાવ બચાવો વારસો બચાવો’ અભિયાન
આ રવિવારે સ્થાનિક રહેવાસીઓ દ્વારા ‘વાવ બચાવો, વારસો બચાવો’ જેવા નારાં સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોને ઠેસ પહોંચતી વખતે જ તંત્ર જાગે છે એવી લાગણી તેમના વિરોધમાં સ્પષ્ટ દેખાઈ આવી. તેઓએ જણાવ્યું કે આવા વારસાગત સ્થળોની જાળવણી કરવી એ સરકાર અને ભારતીય પુરાતત્વ વિભાગની જવાબદારી છે. તંત્ર દ્વારા સતત અવગણના થતાં લોકોમાં ભારે રોષ છે.
રજૂઆતો છતાં કોઈ પગલું નહીં
સ્થાનિકોએ અનેક વખત ભારતીય પુરાતત્વ વિભાગમાં લેખિત અને મૌખિક રીતે રજૂઆતો કરી છે. પરંતુ હજુ સુધી કોઈ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી નથી. લોકો આ વાવની હાલતને ‘દૂષિત ઇતિહાસનું જીવંત ઉદાહરણ’ કહી રહ્યા છે. તેમનું માનવું છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો આ હેરિટેજ સંપૂર્ણપણે નષ્ટ થઈ જશે.
માતર ભવાની વાવ માત્ર ઈટ અને પથ્થરથી બનેલી ઐતિહાસિક રચના નથી, પણ તે અમદાવાદના સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. અમદાવાદ જે શહેરે વર્લ્ડ હેરિટેજ સિટીની માન્યતા મેળવી છે, ત્યાં આવા સ્થળોની અવગણના ચિંતાજનક છે. સરકાર અને પુરાતત્વ વિભાગે તાત્કાલિક ધોરણે આ વાવના જર્જરિત ભાગનું સમારકામ શરૂ કરવું જોઈએ. લોકોનો રોષ વધે એ પહેલાં તંત્રે જવાબદારીપૂર્ણ રીતે આ ઇતિહાસને બચાવવાનો સંકલ્પ લેવું જરૂરી છે.
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/
