AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

AMTS ની નવી ઈલેક્ટ્રિક એસી બસ: ઓટો ફાયર સિસ્ટમ અને અદ્યતન સુરક્ષા ફીચર્સથી સજ્જ

AMTS
Share

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા શહેરના મુસાફરો માટે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવી ઈલેક્ટ્રિક એસી બસો લાવવામાં આવી છે. પર્યાવરણમૈત્રી પરિવહનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે તૈયાર કરાયેલી આ બસોમાં ખાસ કરીને મુસાફરોની સલામતી અને સુરક્ષાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને AMTS દ્વારા નવી બસોમાં ઓટોમેટિક ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવામાં આવી છે, જે કોઈપણ સંભવિત દુર્ઘટનાને તાત્કાલિક રોકવામાં મદદરૂપ બનશે.

નવી ઈલેક્ટ્રિક એસી બસમાં બેટરી વિભાગમાં ખાસ ફાયર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. જો બેટરીમાં ક્યાંય પણ શોર્ટ સર્કિટ થાય અથવા તાપમાન નિર્ધારિત મર્યાદાથી વધુ વધે, તો તરત જ ઓટો ફાયર સિસ્ટમ સક્રિય થઈ જશે અને આગ પર આપોઆપ કાબુ મેળવી લેશે. આ સિસ્ટમ દ્વારા ઇલેક્ટ્રિક બસમાં આગ લાગવાના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવશે.

AMTS કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું કે, “ઈલેક્ટ્રિક બસ હોવાને કારણે જો શોર્ટ સર્કિટ જેવી સ્થિતિ ઊભી થાય તો ઓટોમેટિક ફાયર સિસ્ટમ કાર્યરત થઈ જશે. બસ સંપૂર્ણપણે ડિજિટલ હોવાથી તેમાં સાયબર સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. બસના સોફ્ટવેરને હેક ન કરી શકાય તે માટે એન્ટિવાયરસ અને ડિજિટલ સિક્યોરિટી સિસ્ટમ લગાવવામાં આવી છે. ઉપરાંત દર વર્ષે એક વખત તમામ બસનું ડિજિટલ અને સાયબર ઓડિટ પણ કરવામાં આવશે.”

નવી AMTS ઈલેક્ટ્રિક એસી બસમાં મુસાફરોની સુરક્ષા માટે અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બસમાં કુલ ત્રણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા બસની અંદરની તમામ પ્રવૃત્તિઓનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવશે. આ કેમેરાનું મોનિટર ડ્રાઈવર સીટ પાસે રાખવામાં આવ્યું છે, જેથી કોઈ પણ અસામાન્ય સ્થિતિ તરત નજરે ચડી શકે.

કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિ માટે બસમાં SOS બટન આપવામાં આવ્યું છે. આ બટન દબાવતા જ કંટ્રોલ રૂમ અને ડ્રાઈવર સુધી સંદેશ પહોંચશે અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડ્રાઈવર સીટ પાસે અલગ ઇમરજન્સી બટન પણ આપવામાં આવ્યું છે. ઉપરાંત બસમાં STOP બટન લગાવવામાં આવ્યું છે, જેને દબાવતા જ બસ ઊભી રાખવા માટે અંદર અવાજ આવશે.

ઇલેક્ટ્રિક બસો સામાન્ય રીતે અવાજ વિનાની હોય છે, જેના કારણે અકસ્માતની શક્યતા રહે છે. આ જોખમને ઘટાડવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બસની ઝડપ 20 કિમી પ્રતિ કલાકથી ઓછી હશે ત્યારે બસમાંથી ખાસ અવાજ ઉત્પન્ન થશે, જેથી માર્ગ પર ચાલતા રાહદારીઓ અને અન્ય વાહનચાલકોને બસ આવી રહી હોવાની જાણ થશે.

બસના તમામ દરવાજા સંપૂર્ણપણે બંધ થયા બાદ જ બસ આગળ વધશે, તેવી ઓટોમેટિક સેફ્ટી સિસ્ટમ પણ લાગુ કરવામાં આવી છે. અકસ્માત અથવા આગ જેવી સ્થિતિમાં મુસાફરો ઝડપથી બહાર નીકળી શકે તે માટે ઇમરજન્સી એક્ઝિટ ગેટ અને હેમર દ્વારા કાચ તોડી બહાર નીકળવાની સુવિધા આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે AMTS દ્વારા આ બસો ખરીદવામાં આવી નથી, પરંતુ એરો ઈગલ કંપની સાથે પ્રતિ કિલોમીટર દોડાવવાના કરાર હેઠળ લેવામાં આવી છે. AMTS દ્વારા બસ ખરીદી પર કોઈ મૂડી ખર્ચ કરવામાં આવ્યો નથી અને કંપનીને પ્રતિ કિલોમીટર મુજબ ચુકવણી કરવામાં આવશે. નવી ઈલેક્ટ્રિક એસી બસો આગામી જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં અમદાવાદના રસ્તાઓ પર દોડતી જોવા મળશે, જે શહેરના જાહેર પરિવહનમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

વધુ સમાચાર વાંચો :

CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય

https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

એનેસ્થેસિયા તબીબ પર દુષ્કર્મનો આરોપ: હાઈકોર્ટમાં તટસ્થ તપાસની માંગ

abplusnews

નારોલ માં અજાણ્યા વ્યક્તિની હત્યા : PM રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

abplusnews

નરોડા પાટિયા વિસ્તારમાં દુખદ ઘટના, અજીજખાન પઠાણની હત્યા

abplusnews

Leave a Comment