અમદાવાદના પ્રેમ દરવાજા વિસ્તારમાં આવેલી લાલજી મૂળજી ટ્રાન્સપોર્ટમાં ક્રાઈમ બ્રાન્ચ ( PCB ) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હરિયાણાથી અમદાવાદ તરફ આવી રહેલા માલસામાનની આડમાં મોટી માત્રામાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે PCB ની ટીમે દરોડો પાડી 2340 દારૂની બોટલો ઝડપી પાડી છે. આ દારૂ લોખંડના બેરલમાં લાકડાના ભૂસાની આડમાં ખૂબ જ ચતુરાઈપૂર્વક છુપાવવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ હરિયાણાની “ન્યૂ કૃષ્ણા પેઇન્ટ્સ હાર્ડવેર” નામની કંપનીના નામે માલ મોકલવામાં આવ્યો હતો. દસ્તાવેજોમાં આ માલ ભૂસાનો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ તપાસ દરમિયાન લોખંડના બેરલ ખોલતા તેમાં લાકડાના ભૂસા નીચે દારૂની બોટલો છુપાવેલી હોવાનું બહાર આવ્યું હતું. PCB એ સમગ્ર જથ્થો બહાર કાઢી કબ્જે કર્યો છે. ઝડપાયેલ દારૂની કુલ કિંમત અંદાજે 9.59 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.

PCB પીઆઈ જે.પી. જાડેજાની આગેવાની હેઠળની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે પ્રેમ દરવાજા વિસ્તારમાં આવેલા એક ટ્રાન્સપોર્ટમાં ગેરકાયદે દારૂનો જથ્થો પહોંચવાનો છે. આ બાતમીના આધારે ટીમે લાલજી મૂળજી ટ્રાન્સપોર્ટમાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન લોખંડના બેરલ શંકાસ્પદ લાગતા તેને ખોલવામાં આવ્યા હતા. જેમાં લાકડાના ભૂસાની આડમાં ગોઠવેલી મોટી સંખ્યામાં દારૂની બોટલો મળી આવી હતી.

પોલીસ તપાસમાં વધુમાં ખુલ્યું છે કે આ માલ અમદાવાદના અશ્વિન વેગડા નામના વ્યક્તિને ડિલિવર થવાનો હતો. ટ્રાન્સપોર્ટના ચલણ અને અન્ય દસ્તાવેજોમાં પણ અશ્વિન વેગડાનું નામ નોંધાયેલું હોવાનું સામે આવ્યું છે. આથી પોલીસને શંકા છે કે આ સમગ્ર હેરાફેરી પાછળ સુવ્યવસ્થિત નેટવર્ક કાર્યરત હોઈ શકે છે. હાલ માધુપુરા પોલીસ સ્ટેશનમાં અશ્વિન વેગડા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં સતત અલગ–અલગ રીતે દારૂની હેરાફેરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા અમદાવાદના સરસપુર વિસ્તારમાં સંતરાની આડમાં કરોડો રૂપિયાનો દારૂ લાવવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો હતો. એ જ રીતે કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેન મારફતે દેશી દારૂની ખુલ્લેઆમ હેરાફેરી થતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેના પગલે પોલીસ તંત્ર પર અનેક પ્રશ્નો ઊભા થયા હતા.
હાલની આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે દારૂ માફિયા નવી–નવી પદ્ધતિઓ અપનાવીને ગેરકાયદે દારૂ રાજ્યમાં ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. PCB અને પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી દારૂના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. પોલીસ દ્વારા હવે આ કેસમાં સંડોવાયેલા અન્ય શખસો, ટ્રાન્સપોર્ટરો તથા દારૂ સપ્લાય ચેન સાથે જોડાયેલા લોકોની ઓળખ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
વધુ સમાચાર વાંચો :
CAR-T સેલ થેરેપીથી બ્લડ કેન્સરનો ઇલાજ હવે ગુજરાતમાં જ શક્ય
https://abplusnews.com/treatment-of-blood-cancer-with-car-t-cell/
